અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કેન્દ્રીય રક્ષા મંત્રાલય વચ્ચે આ અંગેના વિધિવત્ કરાર કરવામાં આવ્યા
રિવરફ્રન્ટ પ્રોજેકટ ફેઝ-2માં બનશે શહીદ પાર્ક – શહીદ પાર્ક સહિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને સોલ્જર રેસ્ટ રૂમ પણ બનશે
અમદાવાદ,તા.11
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આગામી દિવસોમાં વિશાળ શહીદ પાર્કનું નિર્માણ થવા જઈ રહ્યું છે. રિવરફ્રન્ટ પ્રોજેકટ ફેઝ-2માં શહીદ પાર્ક બનાવવા માટે MOU પણ થઈ ગયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કેન્દ્રીય રક્ષા મંત્રાલય વચ્ચે આ અંગેના વિધિવત્ કરાર કરવામાં આવ્યા છે. અમદાવાદના કેમ્પ હનુમાન સામે રિવરફ્રન્ટ પ્રોજેકટ હેઠળની જગ્યામાં શહીદ પાર્કનું નિર્માણ કરવાના MOU થયા છે.
અમદાવાદમાં શહીદ સૈનિકોને સન્માન આપવાના હેતુથી એક નવો પ્રોજેક્ટ અમલમાં લાવવાની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. જો કે, હવે તેને સાચા અર્થમાં સાકાર કરવાનો માર્ગ મોકળો બન્યો છે. અમદાવાદ કેમ્પ હનુમાન સામે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હેઠળની જગ્યામાં વિશાળ શહીદ પાર્ક બનાવવામાં આવશે. વિશાળ શહીદ પાર્ક ઉપરાંત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને સોલ્જર રેસ્ટ રૂમ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ માટે જમીન રિક્લેમ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, શહીદ સૈનિકોના પરિવારો દ્વારા અગાઉ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆત કરી દેશની રક્ષા કાજે શહાદત વહોરનાર આપણા વીર સૈનિકોના માનમાં શહીદ પાર્ક બનાવવા માંગણી કરી હતી. જેને રાજય સરકાર દ્વારા પણ હકારાત્મક વલણ અપનાવી સાનુકૂળ પ્રતિસાદ દાખવવામાં આવ્યો હતો. જેના અનુસંધાનમાં આખરે છેલ્લા ઘણા સમયની ચર્ચ અને સલાહ મસલત બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રક્ષામંત્રાલય વચ્ચે અમદાવાદની રિવરફ્રન્ટ પ્રોજેકટ હેઠળની વિશાળ જમીનમાં શહીદ પાર્ક નિર્માણ કરવા અંગેના અગત્યના MOU થયા છે. એટલું જ નહી, કેન્ટોનમેન્ટ બોર્ડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખી કામગીરી શરૂ કરવા આદેશ પણ થઈ ચૂક્યા છે. શહીદ પાર્કની ડિઝાઇન અને સ્વરૂપ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. શહીદ પાર્ક સહિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને સોલ્જર રેસ્ટ રૂમ પણ બનશે.
bharatmirror #bharatmirror21 #news