ગુજરાતના મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની દિલ્હી ખાતેની સૌપ્રથમ મુલાકાત
નવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજી, ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વૈંકેયા નાયડુ, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ અને કેન્દ્રીય રક્ષામંત્રીશ્રી રાજનાથસિંહની પણ શુભેચ્છા મુલાકાત લીધી
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.20
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દિલ્હી ખાતે સૌજન્ય-શુભેચ્છા મુલાકાત લીધી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીપદે બિરાજમાન થવા બદલ શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને હાર્દિક શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે તેમના સારા કાર્યકાળ અને ગુજરાતના વિકાસની યશગાથા આગળ ધપાવવા માટેની શુભકામનાઓ પણ પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ વડાપ્રધાનશ્રી મોદીનો શુભેચ્છા-અભિનંદન બદલ આભાર વ્યકત કર્યો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ આજે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીની સૌજ્ન્ય શુભેચ્છા મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીએ રાજયના નવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને નવી નિયુકિત બદલ શુભેચ્છા-અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાષ્ટ્રપતિશ્રી કોવિંદજીનો આભાર માન્યો હતો. દરમ્યાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વૈંકેયા નાયડુની દિલ્હીમાં સૌજન્ય મુલાકાત લીધી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ભારતના ગ્રુહ રાજ્યમંત્રી અને ભારતના પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહની દિલ્હીમાં સૌજન્ય મુલાકાત લીધી હતી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહે પણ ગુજરાતના નવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને તેમના નવા પદભાર માટે ખૂબ શુભેચ્છા પાઠવી હતી અને તેમને સીમંધરસ્વામીની પ્રતિમા ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી.
તો દિલ્હીની મુલાકાતે પહોંચેલા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે દેશના રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહની પણ દિલ્હીમાં શુભેચ્છા મુલાકાત લીધી હતી. કેન્દ્રીય રક્ષામંત્રીશ્રી રાજનાથસિંહે પણ રાજયના નવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને અભિનંદન પાઠવ્યા હતા. આમ, ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની આજની સૌપ્રથમ દિલ્હી મુલાકાત દેશના તમામ મહાનુભાવોની શુભેચ્છા મુલાકાત અને તેમના આશીર્વાદ મેળવવાની ઔપચારિકતા સાથે પૂર્ણ થઇ હતી.
#bharatmirror #bharatmirror21 #news